ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે, જે આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં રમાશે. હવે ICC અધિકારીઓની એક ટીમ પાકિસ્તાનમાં 10-12 નવેમ્બર દરમિયાન યોજાનારી ટૂર્નામેન્ટની તૈયારીઓનું નિરીક્ષણ કરવા જઈ રહી છે. પાકિસ્તાની મીડિયા ચેનલના જણાવ્યા અનુસાર, ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા દેશોને મોકલી દેવામાં આવ્યું છે. તૈયારીઓ ઉપરાંત, આ ICC અધિકારીઓ લોજિસ્ટિક્સ સંબંધિત તૈયારીઓની પણ તપાસ કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર 11 નવેમ્બરે ચેમ્પિયન્સ ટ્રોફી સંબંધિત એક કાર્યક્રમ આયોજિત થવાનો છે જેમાં ક્રિકેટરો સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપે તેવી શક્યતા છે. આ કાર્યક્રમ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીના કાર્યક્રમને મંજૂરી મળી શકે છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં આઈસીસીના કેટલાક અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા પાકિસ્તાન પહોંચ્યા હતા. એક તરફ, પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન માટે તૈયારી કરી રહ્યું છે, પરંતુ ભારતનું સ્ટેન્ડ હજુ જાહેર થયું નથી કે તે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન જશે કે નહીં.
પાકિસ્તાન દ્વારા ICCને મોકલવામાં આવેલા શેડ્યૂલ મુજબ ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે અને 10 માર્ચને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. ટૂર્નામેન્ટની મેચ કરાચી, રાવલપિંડી અને લાહોરમાં રમાશે. ફાઈનલ સહિત 7 મેચ લાહોરમાં રમાશે, જ્યારે બંને ગ્રુપની પ્રથમ મેચ અને પ્રથમ સેમીફાઈનલ મેચ કરાચીમાં રમાશે. બીજી તરફ રાવલપિંડીના મેદાનમાં બીજી સેમિફાઇનલ સહિત 5 મેચ રમાશે.
શેડ્યૂલ મુજબ ભારતીય ટીમની તમામ મેચ લાહોરમાં રમાવાની છે. ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. ભારતની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે, બીજી ટક્કર 23 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ સાથે અને ગ્રુપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયા તેની છેલ્લી મેચ 1 માર્ચે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે. નોંધનીય બાબત એ છે કે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો નિર્ણય ભારત સરકારે લેવાનો છે.