પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયાની માહિતી મળી છે. રિપોર્ટ અનુસાર, આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 20 લોકોએ જીવ ગુમાવ્યા છે અને બેથી વધુ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, ટ્રેન ઉપડતા પહેલા ટિકિટ કાઉન્ટર પાસે ભારે ભીડ વચ્ચે વિસ્ફોટ થયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધવાની પણ આશંકા છે.
મળતી માહિતી મુજબ, રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ ક્વેટા શહેરમાં બે બ્લાસ્ટ થયા હતા. બીજા વિસ્ફોટમાં પણ લગભગ 15 લોકો ઘાયલ થયા હતા. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાઓની જવાબદારી લીધી નથી. પાકિસ્તાનમાં આવી આતંકવાદી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, એવું લાગે છે કે આ આત્મઘાતી હુમલો હતો. જો કે આ અંગે સ્પષ્ટ કંઈ કહેવું વહેલું ગણાશે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, વિસ્ફોટ વખતે લગભગ 100 લોકો ત્યાં હાજર હતા. સરકારી અધિકારીઓએ જણાવ્યું કે નજીકની હોસ્પિટલમાં ઈમરજન્સી લાદવામાં આવી છે. ઘાયલોને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
હાલમાં જ ઉત્તર વજીરિસ્તાન વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં ચાર સુરક્ષા જવાનો શહીદ થયા હતા. આ પછી ખૈબર પખ્તુનખ્વા પાસે વિસ્ફોટ થયો હતો. જેમાં ચાર બાળકોના પણ મોત થયા હતા. એક અઠવાડિયા પહેલા બલૂચિસ્તાનમાં એક સ્કૂલ પાસે વિસ્ફોટ થયો હતો જેમાં પોલીસ કર્મચારીઓની સાથે સ્કૂલના પાંચ માસૂમ બાળકો માર્યા ગયા હતા. દરરોજ પોલિયો રસી પીવડાવવાના વાહનોને પણ નિશાન બનાવવામાં આવે છે.