અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝે પોતાના 23માં જન્મદિવસ પહેલા પોતાને એક મોટી ભેટ આપી છે. 11 નવેમ્બરના રોજ શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી ODI દરમિયાન રહેમાનુલ્લાહે તેની 8મી ODI સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું.
સિરીઝની છેલ્લી મેચમાં 245 રનનો પીછો કરતા રહેમાનુલ્લા ગુરબાઝે 120 બોલમાં 101 રન બનાવ્યા અને ટીમને જીતના માર્ગ પર લાવી દીધી.
સિદીકુલ્લાહ અટલ, રહમત શાહ અને હશમતુલ્લાહ શાહિદીની શરૂઆતની વિકેટ ગુમાવ્યા બાદ, ગુરબાઝે એકલા હાથે ટીમની કમાન સંભાળી અને ટીમને 5 વિકેટે જીત અપાવી.
રહમાનલ્લાએ ત્રીજી વનડેમાં સદી ફટકારીને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. તેણે સચિન, કોહલી અને બાબરને હરાવીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.
ગુરબાઝે સચિન, કોહલી અને બાબરનો મોટો રેકોર્ડ તોડ્યો
વાસ્તવમાં, બાંગ્લાદેશ સામેની ત્રીજી ODIમાં રહેમાનુલ્લા ગુરબાઝે (ODI) સદી ફટકારી હતી. તેણે આ સદી 22 વર્ષ અને 349 દિવસની ઉંમરમાં ફટકારી હતી. આ રીતે તેણે નવો રેકોર્ડ બનાવ્યો. ગુરબાઝે મહાન સચિન તેંડુલકરને હરાવ્યા હતા.
સચિને 22 વર્ષ અને 357 દિવસની ઉંમરે ODI ક્રિકેટમાં તેની 8મી સદી ફટકારી હતી, જ્યારે વિરાટ કોહલીએ 23 વર્ષ અને 27 દિવસમાં આ સિદ્ધિ મેળવી હતી. પાકિસ્તાનના બાબર આઝમની ઉંમર 23 વર્ષ અને 280 દિવસ હતી જ્યારે તેણે વનડેમાં તેની 8મી સદી ફટકારી હતી.
23 વર્ષના થતાં પહેલા ODIમાં સદી ફટકારનાર ક્રિકેટરો
- રહેમાનુલ્લા ગુરબાઝ- 8
- સચિન તેંડુલકર- 8
- ક્વિન્ટન ડી કોક – 8
- વિરાટ કોહલી- 7
- બાબર આઝમ- 6
અફઘાનિસ્તાને 2-1 થી શ્રેણી જીતી લીધી
બાંગ્લાદેશે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 244 રન બનાવ્યા. બાંગ્લાદેશ ટીમ તરફથી મહમુદુલ્લાહે 98 રન બનાવ્યા હતા. તેના સિવાય કેપ્ટન મેહદી હસને 66 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં 10 બોલ બાકી રહેતા અફઘાનિસ્તાને રહેમાનુલ્લા ગુરબાઝની સદીના આધારે 5 વિકેટે મેચ જીતી લીધી હતી.
ગુરબાઝે 101 રન બનાવ્યા જેમાં 5 ફોર અને 7 સિક્સ સામેલ છે. તેના સિવાય અઝમતુલ્લાહ 70 રનની અણનમ ઇનિંગ રમીને પરત ફર્યો હતો. મોહમ્મદ નબીએ અણનમ 34 રન બનાવ્યા હતા. આ રીતે અફઘાનિસ્તાનની ટીમે વનડે શ્રેણી 2-1થી જીતી લીધી છે.