સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2024-25 23 નવેમ્બરથી શરૂ થશે અને 15 ડિસેમ્બર સુધી રમાશે. આ T20 ટૂર્નામેન્ટ માટે બંગાળની ટીમની સોમવારે જાહેરાત કરવામાં આવી હતી. મોહમ્મદ શમી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બંગાળનું પ્રતિનિધિત્વ કરશે. ટ્રોફીમાં 38 ટીમો ટાઈટલ માટે ટકરાશે.
શમી 1 વર્ષથી ભારતીય ટીમની બહાર છે
મોહમ્મદ શમી લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમની બહાર છે. તે છેલ્લે ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં રમતા જોવા મળ્યો હતો. આ પછી તેની સર્જરી થઈ. હવે તેણે ઘરેલુ ક્રિકેટમાં પુનરાગમન કર્યું છે. તે રણજી ટ્રોફીના પાંચમા રાઉન્ડમાં મધ્યપ્રદેશ સામે રમતા જોવા મળ્યો હતો.
બંગાળના ફાસ્ટ બોલર શમીએ આ દરમિયાન 44 ઓવર ફેંકી હતી અને 7 વિકેટ પોતાના નામે કરી હતી. આટલું જ નહીં તેણે મેચમાં 36 રનની મહત્વની ઈનિંગ પણ રમી હતી. શમીની ભારતીય ટીમમાં વાપસીની અટકળો ચાલી રહી છે. ઘણા દિગ્ગજોએ એવી શક્યતા વ્યક્ત કરી છે કે શમી પણ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા જઈ શકે છે.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે બંગાળની ટીમ
સુદીપ ઘરામી (કેપ્ટન), મોહમ્મદ શમી, અભિષેક પોરેલ, સુદીપ ચેટર્જી, શાહબાઝ અહેમદ, કરણ લાલ, ઋત્વિક ચેટર્જી, રિત્વિક રોય ચૌધરી, શાકિર હબીબ ગાંધી, રણજોત સિંહ, પ્રેયસ રાય બર્મન, અગ્નિવ પાન, પ્રદિપ્તા પ્રામાણિક, સક્ષમ ઈશાન પોરહેલ , મોહમ્મદ કૈફ, સૂરજ સિંધુ જયસ્વાલ, શયાન ઘોષ, કનિષ્ક સેઠ, સૌમ્યદીપ મંડલ.
ટેસ્ટમાં શમીનું પ્રદર્શન
મોહમ્મદ શમીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 64 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 122 ઇનિંગ્સમાં 27.71ની એવરેજ અને 3.30ની ઇકોનોમી સાથે 229 વિકેટ ઝડપી છે. તેણે ટેસ્ટમાં 6 વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. 9/118 ટેસ્ટમાં તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. ટેસ્ટમાં પણ તેણે 2 અડધી સદીની મદદથી 750 રન બનાવ્યા છે.