કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ દ્વારા ગુજરાતની વાપી જીઆઈડીસીને દેશની સૌથી સ્વચ્છ અને સુંદર જીઆઈડીસીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી દ્વારા આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી વાપી જીઆઇડીસીમાં સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી, લાઇટ, રસ્તા અને પોકેટ ગાર્ડન અને વૃક્ષારોપણમાં વધારો કરવામાં આવ્યો છે અને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આથી સમગ્ર દેશના ઔદ્યોગિક વિસ્તારો પૈકી વાપીને સૌથી સ્વચ્છ વિસ્તાર હોવાનો એવોર્ડ મળ્યો હોવાથી વાપી અને ઔદ્યોગિક જગતમાં ઉત્સાહનો માહોલ છે. આ ઉપરાંત સ્વચ્છતા પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે, FICCI (ફેડરેશન ઓફ ઈન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી) ની 97મી વાર્ષિક સાધારણ સભામાં, ગુજરાતની વાપી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (GIDC)ને ‘સ્વચ્છ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક’ કેટેગરીમાં શ્રેષ્ઠતા માટે સન્માનિત કરવામાં આવી છે.
દિલ્હીમાં યોજાયેલી 97મી FICCI વાર્ષિક સામાન્ય સભામાં ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં દેશના ‘સ્વચ્છ ઔદ્યોગિક ઉદ્યાનો’ માટેના પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં દેશના સૌથી સ્વચ્છ જીઆઈડીસી વિસ્તાર તરીકે વાપીની પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડ મળ્યા બાદ વાપીના ઉદ્યોગોમાં ઉત્સાહનો માહોલ છે.
વાપી રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈનું હોમ ટાઉન છે અને તેમણે વિસ્તારના વિકાસમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાળવવા માટે કરેલા પ્રયાસોને પણ ધ્યાનમાં લીધા છે.