ટેક્સટાઈલ સિટી સુરતમાં અરબી સમુદ્રના કિનારે આવેલા જંગલનો અહેસાસ ટુરિસ્ટને ટૂંક સમયમાં મળશે. આદિવાસી સમુદાયમાં પ્રચલિત ખોરાકની સાથે ગ્રામીણ વાતાવરણની સુગંધ પણ મળશે. શહેર નજીક ડુમસમાં દરિયા કિનારે સીટી ફોરેસ્ટ થીમ પર વન વિભાગ ઈકો ટુરીઝમ સાઈટ બનાવી રહ્યું છે. લગભગ 4.30 હેક્ટર જમીનમાં બનેલા આ પ્રવાસન સ્થળ પર પ્રવાસીઓને દક્ષિણ ગુજરાતના બર્ડ પાર્ક, માછલીઘર અને જંગલોની મુલાકાત લેવાનો અનુભવ થશે. વન વિભાગના જણાવ્યા અનુસાર ડિસેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં સિટી ફોરેસ્ટને પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવશે. અહીં એક ગ્રામીણ મોલ પણ બનાવવામાં આવ્યો છે, જેમાં આદિવાસીઓ દ્વારા બનાવેલ ઉત્પાદનો, વાંસ અને મધની વિવિધ જાતો ઉપલબ્ધ હશે. લાકડાના નાના ગાઝેબો પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં લોકો બેસીને બીચની મજા માણી શકે છે.
વનશ્રી રેસ્ટોરન્ટમાં તમામ આદિવાસી વાનગીઓ
જિલ્લા વન અધિકારી આનંદ કુમારે જણાવ્યું હતું કે ઇકો ટુરિઝમને સાકાર કરવા ડુમસ બીચ પર સિટી ફોરેસ્ટ સાઇટ બનાવવામાં આવી છે. ચોપાટી પાસેના બીચ પર છેલ્લા એક વર્ષથી સિટી ફોરેસ્ટનું કામ ચાલી રહ્યું છે. અહીં લોકોને પ્રકૃતિ સાથે રહેવાનો મોકો મળશે. આદિવાસી ભોજનના શોખીનો માટે અહીં વનશ્રી રેસ્ટોરન્ટ બનાવવામાં આવી છે, જ્યાં આદિવાસીઓની તમામ વાનગીઓ મળી શકે છે.
20,000 વૃક્ષો અને છોડનું જંગલ તૈયાર
શહેરના જંગલમાં 20,000 વૃક્ષો અને છોડ વાવવામાં આવ્યા છે. લોકો અહીંના એક્વેરિયમની સાથે સાથે એક્ઝોટિક બર્ડ પાર્કની પણ મજા માણી શકશે. સમગ્ર વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આવ્યો છે. લોકો પ્લાસ્ટિક સાથે અહીં પ્રવેશી શકતા નથી. લોકોને ગ્રામ્ય વાતાવરણની અનુભૂતિ થાય તે માટે બળદગાડા રાખવામાં આવ્યા છે.