દેશમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. મોદી સરકારે મંગળવારે લોકસભામાં ‘વન નેશન વન ઇલેક્શન’ બિલ રજૂ કર્યું હતું. આ માટે ભાજપે વ્હીપ જારી કર્યો હતો કે પાર્ટીના તમામ સાંસદો ગૃહમાં હાજર રહેશે. આમ છતાં ભાજપના 11 સાંસદો ગાયબ રહ્યા. હવે પાર્ટી વ્હીપના ઉલ્લંઘન પર ગેરહાજર સાંસદોને નોટિસ આપશે.
તમને જણાવી દઈએ કે એનડીએ સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા વન નેશન વન ઈલેક્શન બિલની તરફેણમાં માત્ર 269 વોટ પડ્યા હતા. આ પછી કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે મોદી સરકાર પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે જ્યારે કેન્દ્રમાં સાદી બહુમતી નથી મળી શકતી તો બે તૃતિયાંશ વોટ કેવી રીતે મળશે?
કેન્દ્રીય મંત્રી પણ ગૃહમાં પહોંચ્યા ન હતા
બીજેપીના 11 સાંસદોની સાથે એનડીએના ઘટક દળમાંથી જનસેના પાર્ટીના સાંસદ વલ્લભનેની બાલાસોરી પણ ગૃહમાં પહોંચ્યા ન હતા. ગૃહમાંથી ગાયબ થયેલા સાંસદોમાં કેન્દ્રીય મંત્રીઓ પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભામાં ગેરહાજર રહેતા સાંસદોના આ વલણથી ભાજપ હાઈકમાન્ડ નારાજ છે. ભાજપ હવે પક્ષના આ સાંસદોને વ્હીપનું ઉલ્લંઘન કરવા બદલ નોટિસ ફટકારશે અને તેમની પાસેથી જવાબ માંગશે.
ભાજપના આ સાંસદો ગેરહાજર રહ્યા હતા
- નીતિન ગડકરી
- જ્યોતિરાદિત્ય સિંધિયા
- ગિરિરાજ સિંહ
- શાંતનુ ઠાકુર
- જગદંબિકા પાલ
- બી રાઘવેન્દ્ર
- વિજય બઘેલ
- ઉદય રાજે ભોસલે
- ભગીરથ ચૌધરી (રાજસ્થાનમાં PMના કાર્યક્રમમાં હાજર હતા)
- જાગરનાથ સરકાર
- જયંત રોય