મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી. જિલ્લા મુખ્યાલયથી લગભગ 100 કિલોમીટર દૂર ઉદયપુરા શહેરમાં શનિવારે રાત્રે એક મોટરસાઇકલ ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ હતી. ઉદયપુરા પોલીસ સ્ટેશનના પ્રભારી યશવંત સિંહે જણાવ્યું કે પાછળથી આવી રહેલા એક ટ્રકે ટુ-વ્હીલરને કચડી નાખ્યું, જેના કારણે તેમાં સવાર ત્રણ લોકોના મોત થયા.
પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ લખન સિંહ રાજપૂત (35), દેવેશ સિંહ રાજપૂત (21) અને રાજા શ્રીવાસ (21) તરીકે થઈ છે. અન્ય અકસ્માતમાં, શનિવારે રાત્રે ભોપાલ-દેવરી રોડ પર એક ટ્રકની ટક્કરથી મોટરસાઇકલ સવાર ચેન સિંહ લોધી (23)નું મૃત્યુ થયું હતું. પોલીસે બંને અકસ્માતમાં સંડોવાયેલી ટ્રક કબજે કરી તેના ચાલકો સામે ગુનો નોંધ્યો છે.
બાળકોથી ભરેલી સ્કૂલ બસને અકસ્માત નડ્યો
જ્યારે ત્રીજો અકસ્માત મધ્યપ્રદેશના અશોક નગર જિલ્લામાં શનિવારે થયો હતો. અહીં એક સ્કૂલ બસ પલટી જતાં પાંચ બાળકોને થોડી ઈજા થઈ હતી. અધિક પોલીસ અધિક્ષક (એએસપી) ગજેન્દ્ર સિંહ કંવરે જણાવ્યું કે મુન્દ્રા કાલા ગામ પાસે આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસ ખાનગી શાળાના વિદ્યાર્થીઓને તેમના ઘરે લઈ જઈ રહી હતી.
તેણે જણાવ્યું કે બસ પલટી ખાઈને રસ્તાની બાજુના નાળામાં પડી ગઈ. અકસ્માતમાં પાંચ બાળકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ બાળકોને બસમાંથી બહાર કાઢ્યા હતા.