ભારતીય અવકાશ સંસ્થા ISRO એ તેના નવા મિશન PSLV રોકેટ દ્વારા હાથ ધરવામાં આવનાર ‘સ્પેસ ડોકિંગ પ્રયોગ’ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. લોન્ચિંગ શ્રીહરિકોટાથી બરાબર 10 વાગ્યે કરવામાં આવ્યું હતું. આ મિશનને સ્પાડેક્સ નામ આપવામાં આવ્યું છે. ઈસરોએ લોન્ચિંગ બાદ એક નિવેદનમાં કહ્યું કે આ મિશન ભારતના સ્પેસ મિશનમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ મિશનમાં બે ઉપગ્રહોને એકબીજા સાથે જોડીને અંતરિક્ષમાં અલગ કરવામાં આવશે.
ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મિશનની સફળતા ચંદ્રયાન-4 જેવા આગામી મિશન, તેનું પોતાનું સ્પેસ સ્ટેશન અને ભારતીય પ્રવાસીને ચંદ્ર પર મૂકવાના ભારતના સપનાને પૂર્ણ કરશે.
ISROએ જણાવ્યું હતું કે PSLV રોકેટ બે અવકાશયાન – સ્પેસક્રાફ્ટ A (SDX01) અને સ્પેસક્રાફ્ટ B (SDX02) – એક ભ્રમણકક્ષામાં લઈ જશે જે તેમને એકબીજાથી પાંચ કિલોમીટર દૂર રાખશે. બાદમાં, ISRO હેડક્વાર્ટરના વૈજ્ઞાનિકો તેમને ત્રણ મીટરની નજીક લાવવાનો પ્રયાસ કરશે, ત્યારબાદ તેઓ પૃથ્વીથી લગભગ 470 કિલોમીટરની ઊંચાઈએ એકમાં ભળી જશે. આ પ્રક્રિયાને ડોકીંગ કહેવામાં આવે છે. આ પછી, આ બંને ઉપગ્રહોને પણ અલગ કરવામાં આવશે એટલે કે અનડોકિંગ.
ખાસ ક્લબમાં પ્રવેશ થશે
ભારતે આ પહેલા અવકાશમાં આ પ્રકારનો પ્રયોગ કર્યો નથી. જો ISRO આ કરવામાં સફળ થાય છે, તો તે વિશ્વના પસંદગીના દેશોમાં સામેલ થઈ જશે. આ પહેલા માત્ર અમેરિકા, ચીન અને રશિયા જ અંતરિક્ષમાં આ સિદ્ધિ મેળવી શક્યા છે.
ISROનું રોકેટ પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ (PSLV) બે ઉપગ્રહો SDX-I અને SDX-IIને 476 કિમીની પરિપત્ર ભ્રમણકક્ષામાં મૂકશે અને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ (SPADEX) કરવાનો પ્રયાસ કરશે, એમ સ્પેસ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું.
ISROએ જણાવ્યું હતું કે, “Spadex એ ઓર્બિટલ ડોકીંગમાં ભારતની ક્ષમતા સ્થાપિત કરવા માટે એક મહત્વાકાંક્ષી મિશન છે, જે ભવિષ્યના માનવસહિત અવકાશ મિશન અને સેટેલાઇટ સર્વિસિંગ મિશન માટે એક મહત્વપૂર્ણ ટેકનોલોજી છે.”
લોન્ચનો સમય બે મિનિટ આગળ વધ્યો
ઈસરોએ સ્પેડેક્સ મિશનનો પ્રક્ષેપણ સમય રાત્રે 9.58 કલાકે નક્કી કર્યો હતો, પરંતુ થોડી મિનિટો પહેલા જ પ્રક્ષેપણનો સમય બે મિનિટ આગળ વધારી દેવામાં આવ્યો હતો. આ સંદર્ભે વધુ માહિતી ઉપલબ્ધ થઈ નથી. લોન્ચિંગ બરાબર 10 વાગ્યે થયું.