મહારાષ્ટ્રના થાણેમાં બુધવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો જેમાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા. પોલીસના જણાવ્યા અનુસાર, મુંબઈ-આગ્રા હાઇવે પર એક ઓટો-રિક્ષાએ તેનું સંતુલન ગુમાવ્યું, ત્યારબાદ ઓટોએ બસ સહિત અનેક વાહનોને ટક્કર મારી. આના કારણે ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે 15 થી વધુ લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, આ અકસ્માત સવારે લગભગ 4 વાગ્યે થયો હતો.
શાહપુર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે ઓટો-રિક્ષા ચાલકે પોતાનું સંતુલન ગુમાવ્યું. આ પછી તે ડિવાઇડર સાથે અથડાઈ ગયો. ટક્કર પછી, તે સામેથી આવતી એક ખાનગી લક્ઝરી બસ, બે કાર અને એક ટેમ્પોને ટક્કર મારી. તેમણે જણાવ્યું હતું કે બસમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ઓટો-રિક્ષા ચાલક સહિત 15 અન્ય લોકો ઘાયલ થયા હતા. અધિકારીએ જણાવ્યું કે બસ નાસિકથી મુંબઈ જઈ રહી હતી.
માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ઘાયલોને શાહપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.