ટ્રમ્પની ગાઝા યોજનાને આરબ દેશો દ્વારા પડકારવામાં આવી રહ્યો છે. ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) એ ગાઝા પર કબજો કરવાની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યોજના વિરુદ્ધ આરબ લીગના ઠરાવને સમર્થન આપ્યું.
સાઉદી અરેબિયાના જેદ્દાહમાં મળેલી કટોકટીની બેઠકમાં આ પ્રસ્તાવને સમર્થન આપવામાં આવ્યું હતું. ત્રણ દિવસ પહેલા, કૈરોમાં એક શિખર સંમેલનમાં, ઇજિપ્તે ગાઝાના પુનર્નિર્માણ માટે એક યોજના રજૂ કરી, જેને આરબ દેશો તરફથી સમર્થન મળ્યું.
ગાઝા અંગે ઇજિપ્તની શું યોજના છે?
ઇજિપ્તની આ યોજના 53 અબજ ડોલરની છે. તેને પૂર્ણ થવામાં પાંચ વર્ષ લાગશે. આમાં, ઘરો બનાવવામાં આવશે અને ગાઝાના રહેવાસીઓને આપવામાં આવશે. આ ઉપરાંત, આ યોજનામાં હોસ્પિટલ, પાર્ક અને એરપોર્ટના નિર્માણનો પણ ઉલ્લેખ છે. આ યોજના હેઠળ, ગાઝા પટ્ટીના લોકો ગાઝામાં જ રહેશે. તેમને ગાઝા છોડીને બીજે ક્યાંય જવાની જરૂર રહેશે નહીં.
તાજેતરમાં, ટ્રમ્પે ગાઝાને ‘મધ્ય પૂર્વનું રિવેરા’ એટલે કે મધ્ય પૂર્વનું સૌથી સુંદર સ્થળ બનાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગાઝાનું પુનર્નિર્માણ કરવા માટે, પેલેસ્ટિનિયનોએ ત્યાંથી સ્થળાંતર કરવું પડશે. ટ્રમ્પના આ નિવેદનથી મધ્ય પૂર્વમાં ખળભળાટ મચી ગયો. આરબ દેશોએ ટ્રમ્પની યોજનાને નકારી કાઢી. ગાઝા અંગે ટ્રમ્પની યોજના સામે આરબ દેશો એક થયા છે.