વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે બ્રુનેઈ જવા રવાના થયા હતા. અગાઉ તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે, ‘અમે અમારા રાજદ્વારી સંબંધોના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. અમારા ઐતિહાસિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે હું સુલતાન હાજી હસનલ બોલ્કિયા અને શાહી પરિવારના અન્ય સભ્યો સાથેની મારી બેઠકોની રાહ જોઈ રહ્યો છું.’ PM મોદીએ બ્રિટનની રાણી એલિઝાબેથ II પછી વિશ્વમાં બીજા સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર સુલતાન હસનલ બોલ્કિયાના આમંત્રણ પર બ્રુનેઈની મુલાકાત લીધી છે.
સુલતાન હસનલ બોલ્કિયા તેની પુષ્કળ સંપત્તિ અને વૈભવી જીવનશૈલી માટે પણ જાણીતા છે. અહેવાલો અનુસાર, તેમની પાસે વિશ્વનું સૌથી મોટું ખાનગી કાર કલેક્શન છે, જેની કિંમત લગભગ $5 બિલિયન છે. સુલતાન પાસે અંદાજે $30 બિલિયનની નેટવર્થ છે જે દેશના તેલ અને ગેસના ભંડારમાંથી મેળવવામાં આવી છે. બોલ્કિયા પાસે 7 હજારથી વધુ લક્ઝુરિયસ વાહનોનું કલેક્શન છે, જેમાંથી 600 રોલ્સ રોયસ કાર છે. આ આંકડો ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલ છે.
કાર કલેક્શન ઉપરાંત આલીશાન મહેલ
ધ સન રિપોર્ટ અનુસાર, બ્રુનેઈના સુલતાનના કાર કલેક્શનમાં લગભગ 450 ફેરારી અને 380 બેન્ટલી સામેલ છે. તેની પાસે પોર્શ, લેમ્બોર્ગિની, મેબેક, જગુઆર, BMW અને McLarens જેવી લક્ઝરી કાર પણ છે. બોલ્કિયાના વાહનોમાં બેન્ટલી ડોમિનેટર એસયુવી છે જેની કિંમત લગભગ $80 મિલિયન છે. તેની પાસે પોર્શ 911 જેવી અમૂલ્ય કાર પણ છે. સુલતાને 2007માં તેની પુત્રી પ્રિન્સેસ માજેદાહના લગ્ન માટે કસ્ટમ ગોલ્ડ કોટેડ રોલ્સ રોયસ ખરીદી હતી. વધુમાં, ઇસ્તાના નુરુલ ઇમાન પેલેસ જ્યાં સુલતાન રહે છે તે વિશ્વનો સૌથી મોટો રહેણાંક મહેલ છે. તેનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ આલીશાન મહેલ 20 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને તેને 22 કેરેટ સોનાથી શણગારવામાં આવ્યો છે.