નાણાકીય વર્ષ 2024-25 ના બીજા ક્વાર્ટરમાં ભારતની વૃદ્ધિની ગતિ ધીમી પડી હતી. સરકારી આંકડા મુજબ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 5.4 ટકા હતો. એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં તે 8.1 ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પણ જીડીપી વૃદ્ધિ 6.7 ટકા રહી હતી. અર્થશાસ્ત્રીઓના મતે, મુખ્ય વિસ્તારોમાં નબળા વપરાશ અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ જેમ કે પૂરને કારણે જીડીપી વૃદ્ધિ ધીમી પડી હતી.
વૃદ્ધિ આરબીઆઈના અંદાજ કરતાં ઓછી હતી
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ નિષ્ણાતોના અંદાજ કરતાં ઘણી ઓછી હતી. બીજા ત્રિમાસિક ગાળામાં વપરાશમાં ઘટાડો થવાને કારણે જીડીપી વૃદ્ધિ નીચી રહેશે તેવું આર્થિક નિષ્ણાતો પહેલેથી જ માની રહ્યા હતા. પરંતુ, તે તેમની અપેક્ષા કરતાં ઓછું હતું. મોટાભાગના નિષ્ણાતો જીડીપી ગ્રોથ 6 થી 6.5 ટકા રહેવાની આગાહી કરી રહ્યા હતા. RBIએ 7 ટકા વૃદ્ધિની આગાહી કરી હતી. સમાચાર એજન્સી રોઈટર્સના સર્વેમાં પણ જીડીપી ગ્રોથ 6.5 ટકા રહેવાની ધારણા હતી.
ગ્રોસ વેલ્યુ એડેડમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો
વાસ્તવિક ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) એ આર્થિક પ્રવૃત્તિનું મહત્વનું માપ છે. નાણાકીય વર્ષ 2024-25 ના બીજા ક્વાર્ટરમાં તેમાં 5.6 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં તે 7.7 ટકા હતો. આનો અર્થ એ થયો કે વાર્ષિક ધોરણે બીજા ક્વાર્ટરમાં આર્થિક પ્રવૃત્તિ સુસ્ત રહી. નોમિનલ જીવીએ વૃદ્ધિ પણ વાર્ષિક ધોરણે 9.3 ટકાની સરખામણીએ ઘટીને 8.1 ટકા થઈ છે.