એક મોટી કાર્યવાહીમાં, SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ અમદાવાદના નારણપુરા વિસ્તારની એલિફન્ટા સોસાયટીમાં 256.860 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે 6 આરોપીઓની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત 25.68 લાખ રૂપિયા છે. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ મધ્યપ્રદેશના મોહમ્મદ ખાન પઠાણ અને મુસ્તાકીમ શેખ ઉર્ફે ભુરો, ધ્રુવ પટેલ, મોહમ્મદ એજાઝ શેખ, અબરારખાન પઠાણ અને અમદાવાદના જીજ્ઞેશ ઉર્ફે રમેશ પંડ્યા તરીકે થઈ છે. એલિફન્ટા સોસાયટીમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોવાની બાતમી એસઓજીને મળી હતી. દરોડો પાડી આરોપીઓને રંગે હાથે પકડી પાડયા હતા.
25.68 લાખની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું
તપાસમાં જાણવા મળ્યું હતું કે મુસ્તાકીમ શેખ મધ્યપ્રદેશમાં રહેતા મોહમ્મદ ખાન પઠાણ પાસેથી ડ્રગ્સ ખરીદીને અમદાવાદમાં વેચતો હતો. મોહમ્મદ ખાને મુસ્તાકીમને રાજસ્થાન બોલાવ્યો અને સમીર નામના ફરાર આરોપી પાસેથી ડ્રગ્સ મંગાવ્યું. ત્યારબાદ મુસ્તાકીમ અમદાવાદ આવીને ધ્રુવ, એજાઝ, અબરાર અને જીજ્ઞેશની મદદથી ડ્રગ્સ વેચતો હતો.
પોલીસે ડ્રગ્સ સાથે 6 આરોપીઓને ઝડપી લીધા હતા
પોલીસના જણાવ્યા અનુસાર જિગ્નેશ તેના ઘરમાં એકલો રહેતો હતો અને નશાનો વ્યસની હતો. તે ડ્રગ પાર્ટી માટે પોતાનું ઘર ભાડે રાખતો હતો. SOGએ જણાવ્યું હતું કે અમદાવાદમાં છેલ્લા 6 મહિનામાં ડ્રગ્સના 100 કેસ નોંધાયા છે અને 5.43 કરોડની કિંમતનો નશો જપ્ત કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં અગાઉ નેવી, એનસીબી, ગુજરાત પોલીસ અને એટીએસની સંયુક્ત ટીમે ડ્રગ્સનું જંગી કન્સાઈનમેન્ટ પકડ્યું હતું. જેમાં 700 કિલો મેથામ્ફેટામાઈન સાથે બોટ દ્વારા 8 ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.