અમદાવાદ શહેરમાં દર વર્ષે યોજાતા કાંકરિયા કાર્નિવલનો આ વર્ષે પણ બુધવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આ ઉત્સવ સાત દિવસ સુધી ચાલશે. નવા વર્ષને આવકારવા માટે અહીં ફટાકડા પણ ફોડવામાં આવશે. ગુજરાતના ખ્યાતનામ ગાયકો પરફોર્મ કરશે. સુરક્ષાની પણ કડક વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદના મેયર પ્રતિભા જૈને પત્રકારોને જણાવ્યું હતું કે કાર્નિવલનું ઉદ્ઘાટન 25 ડિસેમ્બરની સાંજે કરવામાં આવશે. 2008માં તેની શરૂઆત થઈ ત્યારથી દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોને કાંકરિયા લેક ફ્રન્ટ પર સાતેય દિવસ ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. સાતેય દિવસ વિવિધ રંગારંગ અને મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવાશે
કાર્નિવલનું આ 15મું વર્ષ છે. પ્રથમ દિવસે, મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરતા એક હજાર બાળકો સામૂહિક રીતે કેન્ડી (ચોકલેટ) ખોલીને સંપૂર્ણ ખાશે અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવશે. આ ઉપરાંત વિકસિત ગુજરાત, વિકસિત ભારતની થીમ પર કાર્નિવલ પરેડ યોજાશે. લાઇટ એન્ડ સાઉન્ડ શો, લેસર શો, ડ્રોન શોનું પણ આયોજન કરવામાં આવશે. દરરોજ સવારે લોકો પ્રાણાયામ, ધ્યાન, યોગ, એરોબિક્સ, ઝુમ્બાનો લાભ લઈ શકશે. સાતેય દિવસ રક્તદાન પણ થશે. મેડિકલ ટીમ ગોઠવવામાં આવી છે. વિખૂટા પડી ગયેલા બાળકોને ફરીથી જોડવા માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્કની સ્થાપના કરવામાં આવશે. કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ખાસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. પોલીસની સાથે ફાયર બ્રિગેડના જવાનો પણ તૈનાત રહેશે.
સ્ટ્રેસ મેનેજમેન્ટ, સાલસા ડાન્સ પણ શીખવાની તક
મનોરંજનની સાથે લોકોને કાર્નિવલમાં શીખવા પણ મળશે. નેઇલ આર્ટ, ટેટૂ મેકિંગ, જલગર, મહેંદી આર્ટ, ગેમિંગ ઇવેન્ટ, સાલસા ડાન્સ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, જ્વેલરી મેકિંગ, ક્લે આર્ટ, ફોટોગ્રાફી, ગાર્ડનિંગ જેવી પ્રવૃત્તિઓ શીખવવા માટે અહીં વર્કશોપનું આયોજન કરવામાં આવશે.
તલવાર રાસ, પેટ ફેશન શો, અન્ડરવોટર ડાન્સ મુખ્ય આકર્ષણો
કાંકરિયા કાર્નિવલમાં લોક ડાયરો, બોલિવૂડ ફ્યુઝન, પોલીસ બેન્ડ, તલવાર રાસ, જલ તરંગ અને વાયોલિન, સંતૂર વગાડવામાં આવશે. જેમાં બ્લેક કમાન્ડો પિરામિડ શો, માલખામ શો, પપેટ શો, પેટ ફેશન શો, ગીત, સંગીત અને નૃત્ય સ્પર્ધા યોજાશે. અંડરવોટર શો, મેજીક શો, હ્યુમન પાયરો શો, સાયકલ સ્ટંટ મુખ્ય આકર્ષણ રહેશે.