વિવિધ પાકોનું વાવેતર કરતા ખેડૂતોને શિયાળામાં પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણા વિસ્તારોમાં શિયાળુ પાકની સિંચાઈ માટે પાણીની જરૂર પડે છે. રાજ્ય સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. રાજ્ય સરકાર શિયાળુ પાક માટે સિંચાઈ માટે ખેડૂતોને પાણીનો જથ્થો આપશે. કેબિનેટ મિટિંગ બાદ કેબિનેટ મંત્રી હૃષિકેશ પટેલે આ માહિતી આપી છે.
પ્રવક્તા મંત્રી હૃષીકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો નિશ્ચિતપણે શિયાળુ પાકનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી આપશે. હાલ ગુજરાતના તમામ જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
કેબિનેટ મંત્રી હૃષીકેશ પટેલે માહિતી આપી હતી
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં પ્રવક્તા મંત્રી હૃષિકેશ પટેલે ચર્ચા કરેલા મુદ્દાઓની સંપૂર્ણ માહિતી આપી હતી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષ 2024 દરમિયાન સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના 207 મુખ્ય જળાશયોમાં પાણીની ભારે આવક થઈ છે.
હાલમાં ગુજરાતના 207 જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતાના 88 ટકા એટલે કે 7.85 લાખ એમસીએફટીથી વધુ પાણી ઉપલબ્ધ છે, જે ગત વર્ષ કરતા 4 ટકા વધુ છે.
ઉત્તર ગુજરાતના જળાશયોમાં 65%, મધ્ય ગુજરાતના જળાશયોમાં 92%, દક્ષિણ ગુજરાતના જળાશયોમાં 91%, સૌરાષ્ટ્રના જળાશયોમાં 86% અને કચ્છના જળાશયોમાં 62% પાણી ઉપલબ્ધ છે. ગુજરાતમાં જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં લગભગ 90% પાણી ઉપલબ્ધ છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાજ્યમાં જળાશયોની સ્થિતિને ધ્યાનમાં રાખીને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ હોવાથી ખેડૂતોને શિયાળુ પાકની વાવણીમાં રાહત મળશે.