વર્ષ 2023માં મુંબઈમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’માં ઘૂસનાર એક વ્યક્તિની હવે ગુજરાતના ભરૂચમાં ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે શહેરમાં એક નિવૃત્ત સૈન્ય જવાનના ઘરે થયેલી ચોરીના કેસમાં 21 વર્ષીય રામ સ્વરૂપ કુશવાહાની ધરપકડ કરવામાં આવી છે.
ભરૂચના નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) સીકે પટેલે પીટીઆઈને જણાવ્યું હતું કે આરોપી અને અન્ય એક વ્યક્તિએ ચાર દિવસ પહેલા ઘરમાં ઘૂસીને 2.74 લાખ રૂપિયાથી વધુની કિંમતની સોના-ચાંદીની વસ્તુઓ ચોરી કરી હતી.
પૂછપરછ દરમિયાન, આરોપી રામ સ્વરૂપ કુશવાહાએ પોલીસને જણાવ્યું કે તેણે અગાઉ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનના બંગલા મન્નતના ઉચ્ચ સુરક્ષા ઘેરાનો પણ ભંગ કર્યો હતો, પરંતુ સુપરસ્ટારના સુરક્ષા ગાર્ડ્સે તેને અને તેની સાથે રહેલા વ્યક્તિને પકડી લીધો હતો.
ડીએસપી સીકે પટેલે જણાવ્યું હતું કે ભરૂચ બી ડિવિઝન પોલીસે આરોપી કુશવાહા અને મિન્હાજ સિંધાની મોના પાર્ક સોસાયટીમાં એક ઘરમાં ચોરીમાં સંડોવણી બદલ ધરપકડ કરી હતી. તેમના કબજામાંથી 2.74 લાખ રૂપિયાનો ચોરાયેલો માલ મળી આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 2 માર્ચ, 2023 ના રોજ સવારે બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, જ્યારે તેઓ શાહરૂખ ખાનના ઘરમાં બહારની દિવાલ કૂદીને પ્રવેશવામાં સફળ થયા હતા અને બાદમાં પરિસરમાં હાજર સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેમને પકડી લેવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની રાજધાનીના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા હેઠળ તેમની વિરુદ્ધ અતિક્રમણનો કેસ નોંધવામાં આવ્યો હતો.