રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સનાળા ગામે સામૂહિક આપઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘરેલુ હિંસાના કારણે માતાએ તેના બે બાળકો સાથે ઝેર પીને આત્મહત્યા કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકનો પરિવાર દાહોદનો રહેવાસી હતો અને મજૂરી અર્થે સનાલા આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ જામકંડોરણા પહોંચી હતી. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
બનાવ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ દાહોદના ધાનપુરના કટુ ગામનો પરિવાર જામકંડોરણાના સનાળા ગામે મજૂરી અર્થે આવ્યો હતો. આ પરિવાર વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતો હતો. જ્યારે પરિવારનો અન્ય એક સભ્ય મજૂરી કરીને ઘરે પરત ફર્યો ત્યારે કોઈએ ઘરનો દરવાજો ખોલ્યો ન હતો. આથી નજીકમાં રહેતા અન્ય મજૂરોને બોલાવી ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો. દરવાજો તોડી અંદર જોતા માતા અને બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઘરેલું ઝઘડાના કારણે સીનાબેન ઇશ્વરભાઇએ પહેલા તેમની પુત્રી કાજલ અને પુત્ર આયુષને ઝેર આપ્યું હતું અને બાદમાં પોતે પણ ઝેર પી લીધું હતું. ઘટનાની માહિતી મળતાં જામકંડોરણા પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્રણેયના મૃતદેહને પીએમ અર્થે લઈ જવાયા હતા. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.