ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની છ ખાલી બેઠકો પર ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. પરિણામ પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે. આંધ્ર પ્રદેશમાં ત્રણ અને ઓડિશા, હરિયાણા અને પશ્ચિમ બંગાળની એક-એક બેઠક પર ચૂંટણી યોજાશે.
10 ડિસેમ્બર નામાંકન માટેની છેલ્લી તારીખ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 11 ડિસેમ્બરે થશે. ઉમેદવારો 13 ડિસેમ્બર સુધી તેમના નામ પાછા ખેંચી શકશે. 20 ડિસેમ્બરે સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે.
હરિયાણા અને મહારાષ્ટ્રમાં કારમી હાર બાદ રાજ્યસભાની ચૂંટણીમાં પણ વિપક્ષની મોટી કસોટી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન સામે વિપક્ષી ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
ઓગસ્ટમાં, વાયએસઆરસીપીના સભ્યો વેંકટરામન રાવ મોપીદેવી, બીધા મસ્તાન રાવ યાદવ અને રાયગા કૃષ્ણૈયાએ તેમના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી આંધ્રપ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી છે. રાજ્યસભાના સભ્યો તરીકે બિદા મસ્તાન રાવ યાદવ અને રાયગા ક્રિષ્નૈયાનો કાર્યકાળ 21 જૂન, 2028 ના રોજ સમાપ્ત થવાનો હતો. જ્યારે મોપીદેવીનો કાર્યકાળ 21 જૂન 2026 સુધીનો હતો.
સુજીત કુમારના રાજીનામા બાદ ઓડિશામાં રાજ્યસભાની એક બેઠક ખાલી પડી છે. સુજીત કુમારનો કાર્યકાળ 2 એપ્રિલ 2026 સુધીનો હતો. જો કે તેમના રાજીનામા બાદ બીજુ જનતા દળે પણ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.
આ વર્ષે ઓગસ્ટ મહિનામાં કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ પછી TMC નેતા જવાહર સરકારે રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું. જોકે તેમનો કાર્યકાળ 2026 સુધીનો હતો. હવે આ ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી થવાની છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપના નેતા કૃષ્ણલાલ પંવારે રાજ્યસભાનું સભ્યપદ છોડી દીધું છે. હવે હરિયાણાની આ ખાલી પડેલી સીટ પર પેટાચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણી બાદ આંધ્ર પ્રદેશમાં ટીડીપી અને ઓડિશામાં ભાજપ રાજ્યસભાની પેટાચૂંટણીમાં બાજી સંભાળશે.