દેશની રાજધાની દિલ્હી બાદ હવે મહારાષ્ટ્રના મુંબઈ સહિત ચાર અલગ-અલગ શહેરોમાં ગેરકાયદેસર રીતે રહેતા 17 બાંગ્લાદેશી નાગરિકોની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા અને પરવાનગી વિના રહેતા હતા. એક અધિકારીએ જણાવ્યું કે આ ધરપકડો એક ખાસ ઓપરેશન હેઠળ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ATSએ સ્થાનિક પોલીસની મદદથી આ અઠવાડિયે મુંબઈ, નવી મુંબઈ, થાણે અને નાસિક શહેરમાં ઓપરેશન હાથ ધર્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે, “14 પુરૂષો અને ત્રણ મહિલાઓ સહિત ઓછામાં ઓછા 17 બાંગ્લાદેશી નાગરિકોની પરવાનગી વિના ભારતમાં પ્રવેશવા અને માન્ય દસ્તાવેજો વિના દેશમાં રહેવા બદલ ધરપકડ કરવામાં આવી છે.” તેમણે કહ્યું કે આરોપીઓ વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ અને અન્ય સંબંધિત કાયદા હેઠળ દસ અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા છે.
દિલ્હીમાં પણ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ પોલીસે દેશની રાજધાની દિલ્હીમાં ગેરકાયદેસર રીતે રહેતા 7 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. આ પછી, તેમને તેમના દેશમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે દિલ્હી એલજીના આદેશ હેઠળ પોલીસ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને રોકવા માટે વિશેષ અભિયાન ચલાવી રહી છે. આ અંતર્ગત પોલીસ ઘણી જગ્યાએ દરોડા પાડીને લોકોની પૂછપરછ કરી રહી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ અભિયાનને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. મુખ્યમંત્રી આતિષીએ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશવાને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. આ દરમિયાન આતિશીએ ભારત-બાંગ્લાદેશ સરહદની સુરક્ષા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.