પશ્ચિમ બંગાળના નાલપુર સ્ટેશન પાસે સિકંદરાબાદ-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. દક્ષિણ-પૂર્વ રેલવેના જણાવ્યા અનુસાર, B1 સહિત ત્રણ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવેના સીપીઆરઓ ઓમપ્રકાશ ચરણના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
તેમણે કહ્યું કે, સવારે 5.30 વાગે સિકંદરાબાદ-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનના કેટલાક ડબ્બા મિડલ લાઇન પરથી સરકીને ડાઉન લાઇન પર ગયા હતા. એક પાર્સલ વાન અને બે પેસેન્જર કોચ પાટા પરથી ઉતરી ગયા છે. જોકે, કોઈને ગંભીર ઈજા થઈ હોવાના સમાચાર નથી. મુસાફરો માટે આગળની મુસાફરી માટે 10 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે
રેલ્વેએ જણાવ્યું કે સંતરાગાચી અને ખડગપુરથી અકસ્માત રાહત ટ્રેનો અને તબીબી રાહત ટ્રેનોને તાત્કાલિક મદદ માટે રવાના કરવામાં આવી છે. મુસાફરોને કોલકાતા લાવવા માટે ઘણી બસો પણ મોકલવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં રેલ દુર્ઘટનાઓમાં 350 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને લગભગ 1000 લોકો ઘાયલ થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં નાના-મોટા લગભગ 200 ટ્રેન અકસ્માતો થયા છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગયા મહિને કહ્યું હતું કે 10 વર્ષ પહેલા દર વર્ષે લગભગ 171 રેલ અકસ્માતો થતા હતા, જે હવે ઘટીને 40 થઈ ગયા છે.