વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપવા બદલ એક મહિલાની અટકાયત કરવામાં આવી છે. મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં આ ધમકી મળી હતી. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું કે, મુંબઈ પોલીસે 34 વર્ષીય માનસિક રીતે બીમાર મહિલાની ધરપકડ કરી છે. તેમના પર વડાપ્રધાન મોદીને કથિત રીતે નુકસાન પહોંચાડવાની ધમકી આપવાનો આરોપ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારે શહેર પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો ફોન આવ્યો હતો. કોલ પશ્ચિમી ઉપનગરોમાં અંબોલીમાં ટ્રેસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી મુંબઈ પોલીસની એક ટીમે મહિલા કોલરને ટ્રેસ કરીને પૂછપરછ માટે તેને કસ્ટડીમાં લીધી હતી.
તપાસ બાદ મહિલા માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું હતું અને કોલ ‘પ્રૅન્ક’ હોવાનું જણાયું હતું, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીએ કહ્યું કે મહિલાનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. તેમણે કહ્યું કે વધુ તપાસ ચાલી રહી છે.