અમેરિકાની જેમ પાકિસ્તાને પણ ગેરકાયદેસર શરણાર્થીઓ પર કડક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાને ગેરકાયદેસર શરણાર્થીઓ અને અફઘાન નાગરિક કાર્ડ ધારકોને 31 માર્ચ સુધીમાં દેશ છોડવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે શુક્રવારે તમામ ગેરકાયદેસર વિદેશીઓ અને અફઘાન નાગરિક કાર્ડ ધારકોને 31 માર્ચ પહેલા દેશ છોડી દેવા જણાવ્યું છે. એટલું જ નહીં, મંત્રાલયે ચેતવણી આપી હતી કે જો આવા લોકો 31 માર્ચ સુધીમાં દેશ છોડશે નહીં, તો તેમને 1 એપ્રિલથી દેશનિકાલ કરવામાં આવશે.
પાકિસ્તાન તેની સરહદોમાં થઈ રહેલા આતંકવાદી હુમલાઓ અને ગુનાઓ માટે સતત અફઘાન નાગરિકોને દોષી ઠેરવી રહ્યું છે. જોકે, અફઘાનિસ્તાને આ આરોપોને નકારી કાઢ્યા છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, પાકિસ્તાન એક ઉદાર યજમાન રહ્યું છે અને એક જવાબદાર દેશ તરીકે તેની પ્રતિબદ્ધતાઓ અને જવાબદારીઓ પૂર્ણ કરવાનું ચાલુ રાખે છે. એ વાતનો પુનરોચ્ચાર કરવામાં આવે છે કે પાકિસ્તાનમાં રહેતા વ્યક્તિઓએ બધી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરવી આવશ્યક છે.
પાકિસ્તાન 2023 થી અફઘાન લોકો વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે
પાકિસ્તાને 2023 માં વિદેશી નાગરિકોને બહાર કાઢવા માટે એક ઝુંબેશ શરૂ કરી હતી, જેમાં મોટાભાગના અફઘાન હતા. જોકે, પાછળથી પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું કે પહેલા તે વિદેશીઓને બહાર કાઢવામાં આવશે જેમની પાસે કોઈ કાનૂની દસ્તાવેજો નથી.
સંયુક્ત રાષ્ટ્રના ડેટા અનુસાર, પાકિસ્તાનમાં 8 લાખથી વધુ અફઘાન લોકો પાસે અફઘાન નાગરિકતા કાર્ડ છે. લગભગ ૧૩ લાખ લોકો પાકિસ્તાન સરકાર સાથે ઔપચારિક રીતે નોંધાયેલા છે અને તેમની પાસે અલગ રહેઠાણ પ્રમાણપત્રો છે. જોકે, પાકિસ્તાન સરકારના નિવેદનમાં એ કહેવામાં આવ્યું નથી કે આનાથી રહેઠાણ પ્રમાણપત્ર ધરાવતા નાગરિકો પર શું અસર પડશે.
યુએનનું કહેવું છે કે 2023 થી 8 લાખથી વધુ અફઘાન પાકિસ્તાનથી અફઘાનિસ્તાન પાછા ફર્યા છે અને એકંદરે પાકિસ્તાને લગભગ 28 મિલિયન અફઘાન શરણાર્થીઓને આશ્રય આપ્યો છે. છેલ્લા 40 વર્ષથી અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન આ લોકો પાકિસ્તાન આવ્યા છે.