સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાત માટે રવાના થશે. વિદેશ મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 2016 અને 2019 પછી વડા પ્રધાન મોદીની સાઉદી અરેબિયાની આ ત્રીજી મુલાકાત હશે. સપ્ટેમ્બર 2023 ની શરૂઆતમાં, પ્રિન્સ મોહમ્મદ-બિન-સલમાન G-20 સમિટમાં હાજરી આપવા માટે નવી દિલ્હીની રાજ્ય મુલાકાતે ગયા હતા અને ભારત-સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની પ્રથમ બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી.
ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે સામાજિક-સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધોનો લાંબો ઇતિહાસ છે. બંને દેશો વચ્ચે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો છે. વ્યૂહાત્મક ભાગીદારો તરીકે, બંને દેશો રાજકીય, સંરક્ષણ, સુરક્ષા, વેપાર, રોકાણ, ઊર્જા, ટેકનોલોજી, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં મજબૂત દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે.
છેલ્લા દાયકામાં સાઉદી અરેબિયા સાથે ભારતના સંબંધો વધુ મજબૂત બન્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત દર્શાવે છે કે ભારત સાઉદી અરેબિયા સાથેના દ્વિપક્ષીય સંબંધોને કેટલું મહત્વ આપે છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે બહુ-ક્ષેત્રીય ભાગીદારીને વધુ મજબૂત બનાવશે અને પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવા સક્ષમ બનાવશે.