દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 20.05 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ વખતે દેશમાં શિયાળો આવવામાં ઘણો મોડો થયો છે, જોકે ઘણા વિસ્તારોમાં ઠંડી શરૂ થઈ ગઈ છે. પરંતુ ઠંડી હજુ પણ દિલ્હી-NCR સુધી પહોંચી નથી. દિલ્હીમાં પ્રદૂષણ વધવાને કારણે ચારેબાજુ ધુમ્મસ છવાઈ ગયું છે.
હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી માહિતી અનુસાર દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હજુ થોડા દિવસ ઠંડી વધવાની રાહ જોવી પડશે. આજે સવારે પણ દિલ્હીમાં ધુમ્મસની ચાદર જોવા મળશે.
ઉત્તર ભારતમાં શું છે સ્થિતિ?
દિલ્હીમાં આજે દિવસનું તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં સવાર-સાંજ હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશના કારણે હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. IMD અનુસાર આજે પણ યુપી-બિહારના ઘણા શહેરોમાં ધુમ્મસની સંભાવના છે.
IMDએ આ રાજ્યોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તામિલનાડુ, પુડુચેરી, કેરળ અને કરાઈકલમાં આજથી 14 નવેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. જેને લઈને IMDએ પણ યલો એલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે IMDએ તિરુવનંતપુરમ, કોલ્લમ અને પથાનમથિટ્ટા જિલ્લાઓ માટે ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય અલપ્પુઝા, કોટ્ટયમ, એર્નાકુલમ અને ઇડુક્કી જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
રાજસ્થાનમાં ઠંડી વધી શકે છે
રાજસ્થાનમાં શિયાળાની એન્ટ્રી થઈ ગઈ છે. રાજસ્થાનમાં સવાર અને સાંજે લોકો હળવી ઠંડી અનુભવી રહ્યા છે. IMDએ કહ્યું કે, રાજસ્થાનમાં આગામી દિવસોમાં તાપમાન વધુ ઘટી શકે છે, જેના કારણે ઠંડી વધી શકે છે. તમને જણાવી દઈએ કે આજે અને આવતીકાલે આ દેશના ઘણા ભાગોમાં હવામાન સ્વચ્છ રહેશે. તેમજ દિવસ દરમિયાન તડકો પડવાની શકયતા છે અને મહત્તમ તાપમાન 35 થી 40 ડીગ્રી વચ્ચે રહેવાની શકયતા છે. જોકે, જેમ જેમ સાંજ નજીક આવશે તેમ તેમ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીની અસર વધી શકે છે.