ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની બીજી ટેસ્ટ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ચાલી રહી છે. આ મેચના ત્રીજા દિવસે ભારતના યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઈતિહાસ રચ્યો છે. ભારતની બીજી ઇનિંગમાં જ તેણે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉથીની બોલિંગ પર જોરદાર સિક્સર ફટકારી હતી. આ સિક્સર સાથે યશસ્વી ટેસ્ટમાં એક કેલેન્ડર વર્ષમાં 30 સિક્સર મારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ એવો રેકોર્ડ છે, જે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ બેટ્સમેન પણ બનાવી શક્યા નથી.
મેક્કુલમ પછી આવું કરનાર યશસ્વી બીજા બેટ્સમેન છે.
ન્યુઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમ પછી યશસ્વી આ રેકોર્ડ હાંસલ કરનાર વિશ્વનો માત્ર બીજો બેટ્સમેન છે. આ રેકોર્ડ સુધી પહોંચવાની યશસ્વીની સફર માત્ર પાવર-હિટિંગ સુધી મર્યાદિત ન હતી. તેણે ટીમ માટે જરૂર પડ્યે ધીમી ઇનિંગ્સ પણ રમી અને ક્રિઝ પર રહેવાની હિંમત બતાવી. ભારતની બીજી ઇનિંગમાં લંચ બ્રેક સુધી યશસ્વી 46 રન બનાવીને અણનમ છે. જો ભારતીય ટીમે 2012 બાદ ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ શ્રેણી ગુમાવવાની શરમથી બચવું હશે તો જયસ્વાલને આ ટેસ્ટમાં મોટી ઇનિંગ રમવી પડશે.
ઇંગ્લેન્ડ સામે યશસ્વીનું બેટ ચમક્યું
આ વર્ષની શરૂઆતમાં જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું, જ્યાં તેણે 700થી વધુ રન બનાવ્યા હતા. જોકે, આ સિરીઝ પછી તેનું આ પ્રકારનું ફોર્મ જોવા મળ્યું નથી. તેણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ત્રણ અડધી સદી ફટકારી હતી, પરંતુ સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગમાં તેણે 35 રન બનાવ્યા અને પછી તેની વિકેટ ગુમાવી. જયસ્વાલે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તે ક્રિઝ પર સ્થિર થયા પછી લાંબી ઇનિંગ્સ રમે.
ભારતને 359 રનનો ટાર્ગેટ મળ્યો હતો
ન્યુઝીલેન્ડે બીજા દાવમાં 255 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 359 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતમાં અત્યાર સુધીમાં માત્ર એક જ વાર ભારતે 300થી વધુ લક્ષ્યાંક હાંસલ કર્યા છે. ટીમે ડિસેમ્બર 2008માં ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે આ સિદ્ધિ હાંસલ કરી હતી.