અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરો સામે લાલ સમુદ્રમાં થયેલા શિપિંગ પરના હુમલાનો બદલો લેવા માટે એક વિશાળ લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા હતા. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો હુથી બળવાખોરો હુમલા ચાલુ રાખશે તો તેમની સ્થિતિ નર્ક કરતાં પણ ખરાબ થઈ જશે.
તેમણે ઈરાનને ચેતવણી પણ આપી છે કે તે હૂતીઓને તાત્કાલિક ટેકો આપવાનું બંધ કરે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, ‘જો ઈરાન અમેરિકાને ધમકી આપશે, તો અમેરિકા કોઈ પણ પ્રકારની ઉદારતા નહીં દાખવે.’
‘હુમલા અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે’
રોઇટર્સના અહેવાલ મુજબ, આ હુમલાઓ વિશે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે કદાચ આ હુમલાઓ અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે. નોંધનીય છે કે ટ્રમ્પે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી મધ્ય પૂર્વમાં અમેરિકન સેના દ્વારા કરવામાં આવેલો આ સૌથી મોટો લશ્કરી હુમલો છે. આ હુમલા એવા સમયે થઈ રહ્યા છે જ્યારે અમેરિકા તેહરાન પર આર્થિક દબાણ વધારી રહ્યું છે અને તેને તેના પરમાણુ કાર્યક્રમ પર વાટાઘાટો કરવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
‘જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર’
યમનની રાજધાની સનામાં અમેરિકાના હુમલામાં ઓછામાં ઓછા 13 નાગરિકો માર્યા ગયા અને નવ અન્ય ઘાયલ થયા. આ માહિતી હુથી-નિયંત્રિત આરોગ્ય મંત્રાલયે આપી છે. તે જ સમયે, યમનના ઉત્તરીય પ્રાંત સાદામાં બીજા એક અમેરિકન હુમલામાં ચાર બાળકો અને એક મહિલા સહિત છ લોકો માર્યા ગયા. આ હુમલામાં ૧૧ લોકો ઘાયલ પણ થયા છે.
હુથી વિદ્રોહીઓના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમની સેના વિસ્ફોટક કાર્યવાહી સાથે જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સનાના રહેવાસીઓએ જણાવ્યું હતું કે હુથીઓના એક ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના કારણે વિસ્ફોટ એટલા શક્તિશાળી થયા કે આખો વિસ્તાર ધ્રૂજી ગયો.
‘શિપિંગ જહાજોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે’
નવેમ્બર 2023 થી હુથીઓએ શિપિંગ પર 100 થી વધુ હુમલા કર્યા છે, જેના કારણે યુએસ સૈન્યને મિસાઇલ અને ડ્રોન હુમલાઓને રોકવા માટે અનેક કામગીરી શરૂ કરવી પડી છે. હુથીઓ આ સંઘર્ષને ગાઝામાં હમાસ અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં પેલેસ્ટિનિયનો સાથેની તેમની એકતા તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
યુએસ પ્રમુખ જો બિડેનના અગાઉના વહીવટીતંત્રે હૂતીઓની શિપિંગ પર હુમલો કરવાની ક્ષમતાને નબળી પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર્યવાહી મર્યાદિત હતી. અધિકારીઓના મતે, ટ્રમ્પે હવે વધુ આક્રમક વલણ અપનાવવાની મંજૂરી આપી છે.