બાંગ્લાદેશ અદાણી પાવર સાથે વીજ પુરવઠાની પુનઃ વાટાઘાટો કરવા માંગે છે. જો કે, હાઈકોર્ટના આદેશ પર શેખ હસીના સરકાર દ્વારા 25 વર્ષ માટે કરવામાં આવેલ વીજળી પુરવઠા કરારની પણ તપાસ કરવામાં આવી રહી છે.
બાંગ્લાદેશના એક વકીલે અદાણી પાવર સાથે પાવર સપ્લાય ડીલ રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજીના આધારે કોર્ટે ગયા અઠવાડિયે ડીલની તપાસ માટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરી છે.
હાઈકોર્ટનો નિર્ણય ફેબ્રુઆરીમાં આવી શકે છે
આ તપાસ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે, ત્યારબાદ કોર્ટ આદેશ આપશે. અદાણી ગ્રૂપ અને શેખ હસીનાની સરકાર વચ્ચે 2017માં પાવર સપ્લાય કરાર થયો હતો. 5 ઓગસ્ટના રોજ હસીના સરકારના રાજીનામા બાદ આ ડીલ પર સવાલો ઉઠવા લાગ્યા હતા અને તેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થવા લાગ્યા હતા.
બાંગ્લાદેશ સરકાર અદાણી ગ્રુપ સાથે ‘શરતો’ પર વાત કરશે
બાંગ્લાદેશ સરકારના પાવર અને એનર્જી અંગેના સલાહકાર મુહમ્મદ ફઝુલ કબીર ખાને જણાવ્યું હતું કે સરકાર અદાણી ગ્રુપ સાથે પાવર સપ્લાય એગ્રીમેન્ટની શરતો વિશે વાત કરી શકે છે. કરારમાં ભ્રષ્ટાચાર અને લાંચના આરોપોને કારણે નવી ડીલ જરૂરી છે. પરંતુ કોર્ટના આદેશ પર કરવામાં આવી રહેલી તપાસ બાદ જ આ શક્ય છે.
બાંગ્લાદેશને સસ્તી વીજળી આપવાની માંગ
કબીર ખાને કહ્યું કે, ભારતમાં અદાણીના પાવર પ્લાન્ટ માટે ટેક્સમાં છૂટ મળવાથી બાંગ્લાદેશને કોઈ ફાયદો થયો નથી, જ્યારે ખરીદદાર તરીકે તેને પણ ફાયદો મળવો જોઈએ. બાંગ્લાદેશને સપ્લાય કરવામાં આવતી વીજળી સસ્તી હોવી જોઈએ. બાંગ્લાદેશ સરકારના નિવેદન પર અદાણી જૂથે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી.