શનિવારે પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. યુરોપિયન-ભૂમધ્ય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર (EMSC) એ જણાવ્યું હતું કે શનિવારે પાપુઆ ન્યુ ગિનીમાં ન્યુ બ્રિટન ક્ષેત્રના દરિયાકાંઠે 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં કોઈ પણ પ્રકારના નુકસાનની માહિતી નથી, પરંતુ ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે.
EMSC એ જણાવ્યું હતું કે ભૂકંપની ઊંડાઈ 49 કિલોમીટર (30.45 માઇલ) હતી અને યુએસ સુનામી ચેતવણી કેન્દ્રે સુનામીની ચેતવણી જારી કરી છે.
શુક્રવારે સાંજે પશ્ચિમ નેપાળમાં ત્રણ મિનિટના અંતરે બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, જાજરકોટ જિલ્લામાં રાત્રે ૮:૦૭ વાગ્યે ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, ત્યારબાદ તરત જ રાત્રે ૮:૧૦ વાગ્યે ૫.૫ ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. બંને ભૂકંપનું કેન્દ્રબિંદુ પાનિક વિસ્તાર જાજરકોટ હતો, જે કાઠમંડુથી લગભગ 525 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે. નેપાળની સાથે ઉત્તર ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તમને જણાવી દઈએ કે ગયા મહિને મ્યાનમાર અને થાઈલેન્ડમાં મોટા ભૂકંપ આવ્યા હતા, જેના કારણે જાનમાલનું ભારે નુકસાન થયું હતું. ગુરુવારે, મ્યાનમારની લશ્કરી સરકારે માહિતી આપી હતી કે દેશમાં આવેલા પ્રચંડ ભૂકંપમાં અત્યાર સુધીમાં 3,085 લોકો માર્યા ગયા છે. આ દુર્ઘટનામાં 4,715 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 341 લોકો હજુ પણ ગુમ છે.