અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ચીનને સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું હતું. હવે ચીનને ભારત સાથે ભાઈચારો વધારવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી. ચીને કહ્યું છે કે ટ્રમ્પના ટેરિફનો સામનો કરવા માટે ભારત અને ચીનને સાથે આવવું જોઈએ. ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી ઉભી થયેલી મુશ્કેલીઓનો સામનો કરવા માટે ભારત અને ચીને એક થવાની જરૂર છે.
ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ચીન અને ભારત વચ્ચેના આર્થિક અને વેપાર સંબંધો પૂરકતા અને પરસ્પર લાભ પર આધારિત છે. અમેરિકા ટેરિફનો દુરુપયોગ કરી રહ્યું છે. વિશ્વના બે સૌથી મોટા વિકાસશીલ દેશોએ આનો સામનો કરવા માટે સાથે ઊભા રહેવું જોઈએ.”
ડોનાલ્ડ ટ્રમ્પનું અલ્ટીમેટમ
સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીનને કડક ચેતવણી આપી હતી. અમેરિકન રાષ્ટ્રપતિએ ચીનને અલ્ટીમેટમ આપતા કહ્યું કે જો બેઇજિંગ તેની બદલાની યોજના પાછી નહીં ખેંચે તો અમેરિકા ચીનથી આયાત થતી વસ્તુઓ પર 50% સુધીનો વધારાનો ટેરિફ લાદશે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પે વધારાના 34 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ચીને પણ અમેરિકન ઉત્પાદનો પર સમાન ડ્યુટી લગાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ચીનને આ પગલું પાછું ખેંચવા માટે 8 એપ્રિલ સુધીનો અલ્ટીમેટમ આપ્યો છે.
જિનપિંગે પણ સંદેશ આપ્યો
જોકે, આ દબાણ પછી પણ ચીન ઝૂકતું હોય તેવું લાગતું નથી. મંગળવારે, ડ્રેગનએ ટ્રમ્પની ચેતવણીનો જવાબ આપતા કહ્યું કે ચીન ટ્રમ્પના આ નિર્ણયનો સખત વિરોધ કરશે. ચીનના વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ટેરિફ વધારવાની ધમકી આપીને અમેરિકા ફરીથી એ જ ભૂલો કરી રહ્યું છે. આ દબાણ લાવવાની તેની વૃત્તિ દર્શાવે છે.” ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધ વચ્ચે, ચીન ભારતમાં પોતાના ભાગીદારની શોધમાં છે. તાજેતરમાં જ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારત અને ચીન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક નિવેદન બહાર પાડ્યું હતું અને કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.