મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે સોમવારે યુદ્ધ ખતમ કરવાની દિશામાં એક સારા સમાચાર આવ્યા છે. લેબેનોન અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબનોન અને હિઝબુલ્લાહ ઇઝરાયેલ સાથે યુદ્ધવિરામની શરતો પર સહમત થયા છે. એક લેબનીઝ અધિકારીએ સોમવારે રોઇટર્સને જણાવ્યું હતું કે હિઝબુલ્લાહ યુએસના તમામ પ્રસ્તાવો માટે સંમત છે. લેબનીઝ સંસદના અધ્યક્ષ નબીહ બેરીના સહાયક અલી હસન ખલીલે જણાવ્યું હતું કે લેબનોને સોમવારે યુએસ રાજદૂતને તેનો લેખિત જવાબ આપ્યો હતો અને યુએસ અધિકારી એમોસ હોચસ્ટીન વાટાઘાટો ચાલુ રાખવા માટે બેરૂત જઈ રહ્યા હતા. આ સંઘર્ષને સમાપ્ત કરવા માટે આ પ્રયાસને અત્યાર સુધીનો સૌથી મહત્વપૂર્ણ પ્રયાસ ગણાવવામાં આવી રહ્યો છે.
જો કે આ મામલે હજુ સુધી ઈઝરાયેલ તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. હિઝબુલ્લાહ, જેને ઈરાનનું સમર્થન છે, તેણે તેના જૂના સાથી નબીહ બેરીને યુદ્ધવિરામની વાટાઘાટો માટે સમર્થન આપ્યું છે. “લેબનોને તેનો પ્રતિભાવ હકારાત્મક વાતાવરણમાં રજૂ કર્યો,” ખલીલે વિગતો આપવાનો ઇનકાર કરતા કહ્યું. તેમણે વધુમાં કહ્યું કે, “અમે જે પણ પ્રતિભાવ આપ્યો છે તે યુએનના ઠરાવ 1701ની તમામ જોગવાઈઓની પુષ્ટિ કરે છે.” લેબનોન-ઇઝરાયેલ સરહદ અને લિતાની નદી વચ્ચેનો વિસ્તાર.
લેબનીઝ અધિકારીઓએ કહ્યું છે કે પહેલની સફળતા હવે ઇઝરાયેલ પર નિર્ભર છે. તેમણે કહ્યું કે જો ઈઝરાયલ કોઈ ઉકેલ નથી ઈચ્છતું તો હિઝબુલ્લાહ પણ 100 સમસ્યાઓ ઊભી કરી શકે છે. ઇઝરાયેલ લાંબા સમયથી દાવો કરે છે કે ઠરાવ 1701 ક્યારેય યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યો નથી. ઇઝરાયલે સરહદ પર હિઝબુલ્લાહ લડવૈયાઓ અને હથિયારોની હાજરી પર ભાર મૂક્યો છે. તે જ સમયે, લેબનોને ઇઝરાયેલ પર તેના એરસ્પેસમાં ફાઇટર પ્લેન ઉડાવવા સહિત અનેક ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.