હમાસે મોટો દાવો કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેની સૈન્ય બ્રિગેડ અલ-કાસમના લડવૈયાઓએ ઉત્તર ગાઝાના બીત લાહિયામાં લગભગ 15 ઇઝરાયેલી સૈનિકોને મારી નાખ્યા હતા. એક અખબારી નિવેદનમાં, અલ-કાસમ બ્રિગેડસે જણાવ્યું હતું કે તેના લડવૈયાઓએ ઇઝરાયેલી પાયદળ એકમને નિશાન બનાવ્યું હતું. આ સિવાય ઉત્તરી ગાઝામાં જબાલિયા કેમ્પના પશ્ચિમમાં સફ્તાવી વિસ્તારની નજીક ઈઝરાયેલની મેરકાવા ટેન્કને પણ નિશાન બનાવવામાં આવી છે. આ જાણકારી ન્યૂઝ એજન્સી સિન્હુઆએ આપી છે.
બીજી તરફ, ઇસ્લામિક જેહાદ મૂવમેન્ટની સશસ્ત્ર પાંખ અલ-કુદ્સ બ્રિગેડનું કહેવું છે કે તેણે સેન્ટ્રલ જબાલિયા કેમ્પમાં જબાલિયા સર્વિસ ક્લબ નજીક ઇઝરાયલી સૈનિકો અને વાહનોના એકત્રને 60 એમએમ મોર્ટાર શેલ વડે નિશાન બનાવ્યું હતું. જો કે ઈઝરાયેલની સેનાએ આ હુમલા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
યુદ્ધમાં 44 હજાર લોકોના મોત
ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદથી બંને વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 44,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. 7 ઓક્ટોબરે હમાસના 2500થી વધુ આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. જેમાં 1200 ઈઝરાયલીઓએ જીવ ગુમાવ્યા હતા. 250થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.