બાંગ્લાદેશની વચગાળાની સરકારે તેના નાગરિકોને ઇઝરાયલની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. ગાઝા પટ્ટી પર ઇઝરાયલી હુમલાઓ સામે વધતા લોકોના ગુસ્સા વચ્ચે બાંગ્લાદેશે ફરીથી પોતાના પાસપોર્ટ પર ‘ઇઝરાયલ સિવાય’ શબ્દો લખવાનું શરૂ કર્યું છે, જેનો અર્થ એ થયો કે તેના નાગરિકો ઇઝરાયલની મુસાફરી કરી શકશે નહીં. અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી.
ગૃહ મંત્રાલયે પાસપોર્ટ અને ઇમિગ્રેશન વિભાગને વિદેશ પ્રવાસ કરતા નાગરિકોના સત્તાવાર ટ્રાવેલ પરમિટમાં “આ પાસપોર્ટ ઇઝરાયલ સિવાય વિશ્વના તમામ દેશો માટે માન્ય છે” એવું વાક્ય ફરીથી લખવાનો નિર્દેશ આપ્યો છે, એમ સરકારી સમાચાર એજન્સી બીએસએસના અહેવાલમાં જણાવાયું છે.
“અમે 7 એપ્રિલે પત્ર (સૂચનો) જારી કર્યા હતા,” ગૃહ મંત્રાલયના સુરક્ષા સેવાઓ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી નીલિમા અફરોઝે ન્યૂઝ એજન્સીને જણાવ્યું. ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી કાર્યવાહીની નિંદા કરવા માટે રાજધાનીમાં હજારો વિરોધીઓ પેલેસ્ટિનિયન ધ્વજ લઈને “ફ્રી પેલેસ્ટાઇન” ના નારા લગાવીને રેલી કાઢી તેના એક દિવસ પછી આ માહિતી જાહેર કરવામાં આવી હતી.
2021 માં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાના નેતૃત્વ હેઠળના આવામી લીગ સરકારના કાર્યકાળ દરમિયાન “ઇઝરાયલ સિવાયના બધા દેશો માટે માન્ય” વાક્ય દૂર કરવામાં આવ્યું હતું. તે સમયે, અધિકારીઓએ કહ્યું હતું કે દસ્તાવેજના આંતરરાષ્ટ્રીય ધોરણો જાળવવા માટે પાસપોર્ટમાંથી આ શબ્દસમૂહ દૂર કરવામાં આવ્યો હતો.
7 ઓક્ટોબર, 2023 ના રોજ થયેલા હુમલા દરમિયાન પકડાયેલા 251 બંધકોમાંથી 59 હજુ પણ ગાઝા પટ્ટીમાં કેદ છે. ઇઝરાયલ માને છે કે તેમાંથી 24 હજુ પણ જીવંત છે. 14 માર્ચે, હમાસે કહ્યું કે તેણે એલેક્ઝાન્ડર અને અન્ય ચાર બંધકોના મૃતદેહો છોડવા માટે મધ્યસ્થીઓને સંમતિ આપી દીધી છે.
ઇઝરાયલી સેનાએ 18 માર્ચથી ગાઝા પર ફરી હવાઈ હુમલા શરૂ કર્યા. ગાઝાના આરોગ્ય અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં 1,563 પેલેસ્ટિનિયનોના મોત થયા છે અને 4,004 અન્ય ઘાયલ થયા છે.