સીરિયામાં વર્ષો પછી ફરી એકવાર લડાઈ ફાટી નીકળી છે. સીરિયન સેનાએ સ્વીકાર્યું છે કે વિદ્રોહીઓ અલેપ્પો શહેરના મોટા ભાગોમાં ઘૂસી ગયા છે અને ત્યાં ડઝનબંધ સૈનિકોને મારી નાખ્યા છે. સેનાએ બાકીના શહેરમાંથી તેના સૈનિકોને બોલાવ્યા છે અને હવે તે બળવાખોરો પર વળતો હુમલો કરવાની વ્યૂહરચના બનાવી રહી છે.
જાણવા મળી રહ્યું છે કે વિદ્રોહીઓએ અલેપ્પોને કબજે કર્યા બાદ રશિયન સેના સક્રિય થઈ ગઈ છે અને તેના ફાઈટર પ્લેન્સે વિદ્રોહીઓ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. સીરિયાના બીજા સૌથી મોટા શહેર અલેપ્પો પર વિદ્રોહીઓના કબજાથી રાષ્ટ્રપતિ બશર અલ-અસદની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે.
તાજેતરનો હુમલો ઇસ્લામિક સંગઠન હયાત તહરિર અલ-શામના લડવૈયાઓએ કર્યો છે. વિવિધ સશસ્ત્ર જૂથોના કબજા હેઠળના દેશમાં લગભગ ચાર વર્ષ પછી લડાઈ ફાટી નીકળી છે. તે પહેલા સીરિયન સરકારી દળોએ રશિયા અને ઈરાનની મદદથી અસદ વિરોધી બળવાને દબાવી દીધું હતું.
સમગ્ર પ્રાંત બળવાખોરોના નિયંત્રણમાં છે
સીરિયન સૈન્યએ કહ્યું છે કે તેના બોમ્બમારાથી વિદ્રોહીઓ માટે અલેપ્પોમાં આગળ વધવું મુશ્કેલ બની રહ્યું છે અને તેઓ કોઈપણ જગ્યાએ પોતાની પકડ મજબુત કરવામાં સક્ષમ નથી. ટૂંક સમયમાં બળવાખોરોને શહેરમાંથી હાંકી કાઢવામાં આવશે. જ્યારે વિદ્રોહી સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓએ ઇદલિબ પ્રાંતના મરાત અલ નુમાન શહેરને પણ સરકારી દળો પાસેથી કબજે કરી લીધું છે. આ રીતે સમગ્ર પ્રાંત વિદ્રોહીઓના કબજામાં આવી ગયો છે.
જો વિદ્રોહીઓના દાવા સાચા હોય તો રાષ્ટ્રપતિ અસદ માટે તે મોટો ફટકો હશે. આ દરમિયાન રશિયાએ અસદને ખાતરી આપી છે કે તે 72 કલાકની અંદર સીરિયાને વધારાની સૈન્ય સહાય મોકલશે જેથી બળવાખોરો પર કાબૂ મેળવી શકાય. અસદ તરફી ઈરાને તાજેતરના વિદ્રોહી હુમલાઓ માટે અમેરિકા અને ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યા છે.